Jitesh Donga

Official Site

  • Facebook
  • Instagram
  • Twitter
  • YouTube
  • ધ રામબાઈ
  • વિશ્વમાનવ
  • નોર્થપોલ
  • Blog
  • About
  • Buy Novels

ધ રામબાઈ

‘ધ રામબાઈ’ ની વાર્તા શું છે એ કહેવું ખુબ અઘરું છે. મોટેભાગે અહીં પુસ્તકના કવર પર વાર્તાની યાત્રાનો અર્ક લખાતો હોય છે. પણ આ પુસ્તકમાં એવું કરીશું તો વાર્તાનો આત્મા ઘવાશે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે. છતાં…

જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે.

રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સામાન્ય સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.

રામબાઈ મારી અને તમારી જેમ ધરતી પર જન્મેલો ભોળો-મૂંગો સામાન્ય જીવ છે. દરિયાને કિનારે જન્મેલા કાચબાના બચ્ચાંને જેમ ખબર નથી કે થોડીવારમાં એની જીંદગી આ મહાકાય દરિયામાં જઈને જીવવાની છે એમ રામબાઈ ભોળી કાચબા જેવી છે. એને બસ પ્રેમ કરતા આવડે છે. જિંદગી જીવતા શીખે છે.

…પણ એ વાંચક…આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ પુસ્તક એક એવી સ્ત્રીની સત્ય કહાની લઈને આવ્યું છે જે વાંચીને, જે જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો.

એય રામબાઈ…તું તો કોસ્મિક ફેરીટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે. ફરી-ફરી પડે છે અને પછી ધડ દઈને ઉગતા સુરજની જેમ ઉઠે છે. ચાલતી થાય છે. તું ચાલતી થાય છે આ મહાન – ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર.

એય…તારું આવું જીવવું જોઇને મોટું ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.

પુસ્તકમાં એક વાક્ય છે એ મુજબ : આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે પણ તારા જેવા માણસને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.

***

‘ધ રામબાઈ’ નવલકથામાં આવતું મ્યુઝીક તેનાં ભાગ મુજબ સાંભળવા માટે અહીં લીંક આપેલી છે:

ભાગ 1   https://www.youtube.com/watch?v=KCrO3sKfL5s

ભાગ 2  https://www.youtube.com/watch?v=0Bvm9yG4cvs

ભાગ 3  https://www.youtube.com/watch?v=ntj-sP8y3kw

ભાગ 4 https://www.youtube.com/watch?v=zZFqDWLsdkA

ભાગ 5  https://www.youtube.com/watch?v=6E2Rk5x5iCM

ભાગ 6 https://www.youtube.com/watch?v=WGTxqhSN8bE

ભાગ 7  https://www.youtube.com/watch?v=z7eSpk1YYS0

ભાગ 8  https://www.youtube.com/watch?v=c9iLVSVRwlw

***

Copyright © 2020 · Designed By Eyuva Technologies